LPG cylinder booking new rules : LPG કનેક્શન કપાઈ જશે! ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ, સમજો 25, 30 અને 45નું ગણિત

LPG cylinder booking new rules: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને દેશમાં ઘરેલું તેમજ વાણિજ્યિક ગેસની અછતને રોકવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક મોટો નિર્ણય લીધો છે. ઇન્ડેન, એચપી અને ભારત ગેસના ઘરેલું અને વાણિજ્યિક એલપીજી (LPG) સિલિન્ડરના બુકિંગ તેમજ સરેન્ડર કરવાના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ આ નવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, કારણ કે જો તમે આ નિયમો ચૂકશો તો તમારું ગેસ કનેક્શન બ્લોક અથવા કાયમ માટે બંધ થઈ શકે છે.




ચાલો વિગતવાર સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેનાથી તમારા ઘરના બજેટ અને રસોડા પર શું અસર પડશે.


ઓઇલ કંપનીઓએ બ્લેક માર્કેટિંગ રોકવા અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે દિવસોનું નવું ગણિત નક્કી કર્યું છે. નવા નિયમો અનુસાર, શહેરો માટે રિફિલિંગની અંતિમ સમય મર્યાદા 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે 45 દિવસ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, જે ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી (PNG) કનેક્શન છે, તેમના માટે 30 દિવસની અંદર જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો નિયત સમયમાં આ નિયમ પૂરો કરવામાં નહીં આવે, તો ગ્રાહકોએ દંડ અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.


શહેરી વિસ્તારો માટે 25 દિવસનો નિયમ

જો તમે કોઈ પણ શહેરમાં રહો છો, તો હવેથી તમે એક સિલિન્ડર ખરીદ્યાના 25 દિવસ પહેલાં બીજું સિલિન્ડર રિફિલ કરાવી શકશો નહીં. એટલે કે, બે ઘરેલું સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો તફાવત હોવો ખૂબ જ જરૂરી છે. આ નિયમ 5 કિલો, 10 કિલો અને ઘરોમાં સામાન્ય રીતે વપરાતા 14.2 કિલોના તમામ સિલિન્ડર પર સમાન રીતે લાગુ થશે.


ગ્રામીણ વિસ્તારો માટે 45 દિવસનો નિયમ

ગામડાઓમાં રહેતા ગ્રાહકો માટે કંપનીઓએ થોડી અલગ સમય મર્યાદા રાખી છે. ગ્રામીણ વિસ્તારોમાં હવે 45 દિવસનો નિયમ લાગુ પડશે. આનો અર્થ એ થાય કે તમે અગાઉ લીધેલા સિલિન્ડરની ડિલિવરી અથવા બુકિંગના પૂરા 45 દિવસ બાદ જ નવું એલપીજી સિલિન્ડર બુક કરાવી શકશો.


PNG ગ્રાહકો માટે 30 દિવસની સમય મર્યાદા

જે લોકોના ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ (PNG) સપ્લાય શરૂ થઈ ગયો છે, તેમના માટે આ નિયમ સૌથી મહત્વનો છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સુધારા મુજબ, પીએનજી કનેક્શન એક્ટિવ થયાના બરાબર 30 દિવસની અંદર ગ્રાહકે પોતાનું જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો તમે 30 દિવસમાં ગેસ સિલિન્ડર જમા નહીં કરાવો, તો તમારું ચાલુ પીએનજી કનેક્શન પણ બ્લોક કરી દેવામાં આવશે.


સરેન્ડર કરવા પર મળશે ટ્રાન્સફર વાઉચર

નિયમોનું પાલન કરનારા ગ્રાહકોને સરકારે એક મોટી રાહત પણ આપી છે. જ્યારે તમે 30 દિવસની અંદર તમારું એલપીજી કનેક્શન સરેન્ડર કરશો, ત્યારે કંપની તમને એક 'ટ્રાન્સફર વાઉચર' આપશે. ભવિષ્યમાં જો તમે કોઈ એવા વિસ્તારમાં રહેવા જાઓ જ્યાં પીએનજી લાઇન ઉપલબ્ધ ન હોય, ત્યારે આ વાઉચર બતાવીને તમે તમારું જૂનું એલપીજી કનેક્શન તરત જ ફરી શરૂ કરાવી શકશો.


સિલિન્ડર સરેન્ડર કરવાની સરળ પ્રક્રિયા:

ગેસ સિલિન્ડર સરેન્ડર કરવા માટે ગ્રાહકોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ગેસ સપ્લાયરની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ અથવા mypngd.in પોર્ટલ પર જઈને ઓનલાઈન સરેન્ડરનો ઓપ્શન પસંદ કરી શકો છો. આ પ્રક્રિયા માટે તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે:

એલપીજી ગ્રાહક પુસ્તક (પાસબુક) અથવા સબ્સ્ક્રિપ્શન વાઉચર

ઓરિજિનલ કેવાયસી (KYC) અથવા આઈડી પ્રૂફ

બેંક ખાતાની વિગતો અથવા કેન્સલ ચેક

કનેક્શન સાથે લિંક થયેલો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર

ઓનલાઈન પ્રોસેસ પૂરી થતાં જ ગેસ એજન્સીનો કર્મચારી તમારા ઘરે આવીને સિલિન્ડર અને પ્રેશર રેગ્યુલેટર લઈ જશે અને તમારી જે કંઈ પણ સિક્યોરિટી ડિપોઝિટ (અનામત રકમ) હશે તે સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

Author : gujarati.abplive.com

Post a Comment

Previous Post Next Post